Thursday, 14 February 2019

ઓરીજીનાલીટી

આ વાક્ય જ્યારે પણ વાંચુ ત્યારે મને વિચારતી કરી દે છે. ઓરીજીનાલીટી એટલે શું? કદાચ “જેવા હોઈએ પ્રભુ તેવા દેખાવા”  એનું જ નામ ઓરીજીનાલીટી હશે. આ શબ્દનો ગુજરાતી અર્થ સર્ચ કર્યો તો આ મળ્યુઃ “મૂળ, અસલનું, પ્રથમનું, આદ્ય, પ્રાથમિક, તદ્દન શરૂઆતનું, પ્રાચીનતમ, અનુકરણાત્મક કે બીજા કશામાંથી નીકળેલું નહિ.”

અરે આપણું હોવુ જ બીજા કશામાંથી નીકળેલું છે. મતલબ કે સમય, સંજોગો  કે અનુભવો કે પછી માણસો જ આપણને ઘડે છે.  આપણે હોઈએ છે એનાથી કંઈક અલગ બનાવે છે અને એ જ રીતે આપણે વર્તીએ છે, તો આમાં આપણું ઓરીજીનલ શું?

જિંદગીના દરેક તબક્કે આપણી ઓરીજીનાલીટી ગુમાવતા જઈએ છે. બાળપણ જ્યાં સુધી  સમજણું ના થાય ત્યાં સુધી જ કદાચ ઓરીજીનલ  રહી શકે છે, જેમ જેમ દુનિયાદારીના ઢોળ ચડતા જાય એમ એ ઓરીજીનાલીટી વહેવાર-વર્તનમાં તો ક્યાંય ડોકાતી નથી પણ માંહ્યલામાં ઝાંકીને જુઓ તો ત્યાં ય મોહરુ પહેરેલો આત્મા દેખાય.

કોઈ પણ કામ કરવુ જોઈએ એટલા માટે નહિં પણ કરવુ પડે એટલા માટે આપણે વધારે કરીયે છે.

આપણાં ઘણાં ખરા વિચારો ફક્ત વિચારવા માટે જ હોય છે. આચરી એટલા માટે નથી શકતા કે કોઈ શુ કહેશે?

જેમા ધર્મ અને સમાજનાં વાડાઓ આપણે રચ્યા છે એમ જ આપણી આદતોના વાડામાથી ય આપણે  ભાગ્યે જ છુટી શકીએ  છે.

ઈવન પ્રકૃતિ સાથે ય પ્રાકૃતિક થઈ શકતા નથી.

આંખોમાં હવે લરઝતુ વિસ્મય નથી, ખોખલી – ખખડતી  હોંશિયારી છે.

બેફામ ભાગતા જમાના સાથે તાલ મિલાવવાનો છે, નોકરીમાં કે બિઝનેસમાં ઝડપથી પ્રગતી કરવાની છે, સમાજમાં સ્ટેટસ જાળવવાનું છે, સગા-સંબંધી ને મિત્રોમાં માન રાખવાનું છે, સંતાનોને ય ઝડપથી મેચ્યોર બનાવી દેવાના છે કે જેથી એ આપણે જ ઉભા કરેલા નકશે-કદમ પર ચાલી શકે.

હજુ તો કેટ-કેટલું કરવાનું છે જિંદગીમાં…….. લિસ્ટ લાંબુ  છે.

હવે બોલો આમાં ઓરીજીનલ ક્યાંથી રહી શકાય?

#np

No comments:

Post a Comment