Sunday 4 April 2021

મૂલ્યશિક્ષણ દ્વારા માનવઘડતર

 પ્રસ્તાવના :  મૂલ્ય એટલે શું ?


મૂલ્ય માટે અંગ્રેજીમાં Value શબ્દ છે.  જીવનમાં જે અતિ અમૂલ્ય છે તે જ મૂલ્ય. સર્વ માટે જે અતિ કલ્યાણકારી છે તે જ મૂલ્ય-એમ માનીને જ આપણે ચર્ચા કરીશું. સત્ય ,પ્રેમ, કરુણા, અહિંસા, તટસ્થતા, દયા, નિષ્ઠા, પ્રમાણિકતા, સમભાવ, સ્વાશ્રય, નીડરતા સ્વાવલંબન, શ્રમ, વ્યવસ્થાપન , સ્વાસ્થ્ય, શિસ્ત , સાદાઈ ,સમરસતા ,સહાનુભૂતિ , વિવેક , ડહાપણ, ધર્મ  -આ બધા જ ગુણો એટલે મૂલ્યો. દરેક માણસને સુખી થવું છે અને શાંતિ મેળવવી છે. આ સુખ અને શાંતિ મેળવવા હોય તો કયા રસ્તે તે મળે? શું માત્ર સાધન ,સંપત્તિ અને સગવડ મળે એટલે શાંતિ મળે જ... ?  હરગીજ નહિ. શાંતિનું સાચું આશ્રયસ્થાન વ્યક્તિમાં રહેલાં  અને આચારમાં ઉતરતા આવાં મૂલ્યો છે. આવા  ગુણો ધરાવતો માણસ એટલે જ મૂલ્યવાન માણસ.  સમાજમાં શાંતિનું સ્થાપન અને વિસ્તરણ  આવા માણસો થકી જ હોય છે.
         મકાન બનાવતી વખતે જેમ પહેલો વિચાર આપણે તેના પાયા માટે કરીએ છીએ; તેમ ઉત્તમ ઘડતર અને સ્થાપન  માટેનો પાયો મૂલ્યોથી ઘડાયેલો અને તેનાથી રક્ષાયેલો હોવો જોઈએ. મૂલ્યો વગરની કેળવણીને ગાંધીજી વંધ્ય કેળવણી કહેતા. ‘Values are not taught, but for cought. ‘ એટલે કે –આ મૂલ્યો એ માત્ર જાણવાની કે શીખવાની વસ્તુ નથી, પણ તે જીવનમાં જીવવાની વસ્તુ છે.  જેમ શરીરને વિટામિન વગર નથી ચાલતું એમ સમાજને મૂલ્યો વિના ચાલતું નથી. જે સમાજને મૂલ્યો વગર ચાલે છે, એની  સાથે બીજા  કોઈને ચાલતું નથી .એટલે મૂલ્યો એ સમાજનાં વિટામિનો [પ્રજીવકો] છે.

·       મૂલ્યોનાં ઘડતર-સ્થાનો :


બાળકના ચારિત્ર્ય નિર્માણની પા પા પગલીનું પ્રથમ પ્રેરણાબિંદુ  તેનું ઘર હોય છે . બાળકના જીવન પર  તેનાં માતાપિતા અને ભાઈ ભાંડુની અસર સૌથી વધારે હોય છે. ત્યારબાદ બીજા ક્રમે આવે છે શાળા . શાળાનો ક્રમ ભલે બીજો હોય પણ શિક્ષણ લેનાર કોઈ પણ વ્યક્તિના જીવનમાં સૌથી વધારે મૂલ્યો ગ્રહણ કરવાનું સાચું ઠેકાણું તો તેની શાળા જ હોય છે . પણ શાળામાં શીખેલાં મૂલ્યોને આચારમાં મુકવાની સૌથી વધારે તક તેને ઘરમાં મળે છે. ઘરમાં જો સ્વજનો –પરિવારના સભ્યો પણ બાળકે શીખેલાં મૂલ્યો સાથે એકરૂપ થતા હોય તો તેનું ચારિત્ર્ય ઘડતર  ખુબ જ સુંદર થતું હોય છે. સારી રીતે કેળવીને ઉત્તમ નાગરિક બનાવવા ઇચ્છતા માબાપ આવી તકેદારી રાખતા હોય છે. શાળા અને ઘર બંનેના સમાન વાતાવરણથી બાળકના વર્તન-વ્યવહારને  ખુબ જ બળ મળે છે. એથી ઉલટી વાત એ છે કે ઘર અને શેરીનું વાતાવરણ જો શીખવાતા મૂલ્યોથી તદ્દન સામા છેડાનું હોય તો બાળક માટે મોટી સમસ્યા ઉભી થાય છે. એટલે જ આપણે ત્યાં સારા પડોશમાં રહેવાનો આગ્રહ સૌ કોઈનો હોય  છે. આ રીતે , સારી શાળા, સારો પરિવાર, સારો પડોશ અને સંસ્કારી વાતાવરણ એટલે જ મૂલ્યોનું ધરુવાડિયું. બીજ તો સારું હોય પણ તેને પાંગરવાનું ધરુવાડિયું જ નબળું હોય તો...? મૂલ્યો કોઈને ઉપદેશવાની ચીજ નથી ; મૂલ્યો તો જીવીને બીજાને શીખવવાની મોંઘી જણસ છે.

                        નાનાભાઈ કહેતા, “શિક્ષકો પોતાના વિચારથી ભણાવે તેની મારે મન કિંમત નથી, પણ શિક્ષકો પોતાના આચારથી ભણાવે તેની મારે મન મોટી કિંમત છે.  ટૂંકમાં સમાજનું સાચું ઘડતર મૂલ્યશિક્ષણ દ્વારા જ થઇ શકે. શિક્ષણમાંથી મૂલ્યોની બાદબાકી થઇ જાય તો માણસ ભણતરવાળો તો ગણાય પણ ગણતરવાળો તો ન જ ગણાય. તંદુરસ્ત સમાજરચના માટે ભણતરવાળા કરતા ગણતરવાળા માણસની વધારે જરૂર છે.”
 પશ્ચિમના માનવતાવાદી ચિંતક અને સાહિત્યકાર જોહ્ન રસ્કિને કહ્યું છે :
શિક્ષણનો અર્થ એ નથી કે લોકો જે જાણતા નથી તે તેને શીખવવું ,પણ શિક્ષણનો અર્થ એ છે કે લોકો જે વર્તતા નથી એમ તેને વર્તતા શીખવવું- આજ સાચી કેળવણી છે.”

·       મૂલ્યોની જરૂરિયાત :

                     આજનું શિક્ષણ પરીક્ષા, લાયકાત અને નોકરી પૂરતું જ સીમિત બની ગયું છે. શિક્ષણનો ઉદ્દેશ વ્યક્તિને આર્થિક અનુકુળતા માટે તો ખરો જ : પણ એ પહેલાં તો વ્યક્તિગત અને સામાજિક શાંતિ માટે શિક્ષણ છેહું તો સુખી થાઉં ,સાથોસાથ  મારો સમાજ પણ સુખી થાય એ શિક્ષણનો  મૂળભૂત ઉદ્દેશ આજે કોરાણે મૂકાઈ  રહ્યો છે. વસુધૈવ કુટુમ્બકમ ની આપણી સંસ્કૃતિ  ભૂલીને,  સાવ જ એકલપેટા બનીને, માત્ર પોતાની જ આર્થિક સમૃદ્ધિ કાજે આપણે દોટ દીધી છે. શું આ રસ્તે  ક્યારેય સુખ-શાંતિ આપણને મળવાનાં છે ખરાં...!   આપણે દિશા બદલ્યા સિવાય છૂટકો જ નથી.
     એટલે આજના શિક્ષણે  મુલ્યહ્રાસને અટકાવી મૂલ્યઘડતરનું મહામૂલું કાર્ય કરવાનું છે.આપણી સૌની આવતી કાલને સારી જોવા માટે વાલીસમાજ અને શાળા બંનેએ સાથે મળીને આ દિશામાં વિચાર કરવો પડશે. બાળકને સત્ય ,પ્રેમ, કરુણા, અહિંસા, તટસ્થતા, દયા, નિષ્ઠા, પ્રમાણિકતા, સમભાવ, સ્વાશ્રય, નીડરતા જેવાં મૂલ્યોની કેળવણી નાનપણથી જ આપવી પડશે. આ બધાંનો સંસ્પર્શ પામ્યા વિનાનું બાળક મોટું થયા પછી કોઈના હાથમાં રહેવાનું નથી. ઘોડા નાસી ગયા પછી જેમ તબેલાને તાળાં મારવાનો કશો જ અર્થ નથી એમ આ દિશામાં ગંભીરતાથી વિચારવાનું છે. અંગ્રેજીમાં એક કહેવત છે – A Stitch in time saves nine. સમયસરનો એક ટાંકો ભવિષ્યમાં લેવા પડતા નવ ટાંકાને બચાવે છે.
  
આપણે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન , દુકાન, વાહન ,બેંક ,શાળા કે કોલેજમાં ઘણા વિદ્યાર્થીઓના વિચિત્ર અને શરમજનક વર્તનને નિહાળીએ છીએ. નાનામોટાના ભેદ રાખ્યા વિના કરાતા વાદવિવાદો અને મશ્કરી ઘણી વખત આપણને શરમજનક સ્થિતિમાં મૂકી દે છે. અતિશય દુખ થાય છે કે આવું કેમ..?...બસ આવી ઘટનાઓ મૂલ્યની કિંમત સમજાવી જાય છે.
·       મૂલ્યો –મહામૂલો વારસો :

પરોક્ષ રીતે પણ મૂલ્યો વારસામાં મળે છે એવું આપણે પરંપરાથી માનીએ છીએ. જો કે એ સાચું  હશે પરંતુ તેને પોષણ અને પ્રતિપોષણ આપવા માટે પણ પ્રત્યક્ષ સાવધાની અતિ આવશ્યક છે. સારું શીખતા વાર લાગે છે પણ નબળું શીખવું આસાન  હોય છે. તે સારું જ શીખે એ માટે પરિવાર અને શાળા બંનેની પુરતી સાવધાની અને કાળજી અતિ ઉપકારક છે. કોઈ પણ પક્ષની નાની શી ચૂકથી બાળકનો રસ્તો બદલાઈ શકે છે.
રવિશંકર મહારાજ કહેતા, “વાલીઓને મારી વિનંતી છે કે તમે તમારાં બાળકોને માયકાંગલા ન બનાવતા પણ ટાઢ-તાપ તથા ભૂખ-તરસ વેઠી શકે તેવાં બનાવજો. તેમને બરાબર ખવડાવજો પણ કામ કરાવતી વખતે દયા ન ખાતા . તમારાં બાળકોને મિલકતનાં વારસ નહિ પણ સદગુણના વારસ બનાવજો.”

      સારી વાતચીત કરવી એ જીભની કુશળતા છે ;પણ સારો વ્યવહાર કરવો એ હૃદયની કુશળતા છે .કુટુંબીજનો સાથે, પડોશીઓ સાથે ,મિત્રો કે સ્વજનો સંગાથે વ્યવહાર કરવાના આપણે  ત્યાં અલગ અલગ માપદંડો છે .ઉપકારનો બદલો ઉપકારથી વાળવો એતો ખરું જ ;પણ અપકારનો બદલો પણ ઉપકારથી વાળવાની વાત આપણી સંસ્કૃતિમાં પડેલી છે .દરેક વ્યક્તિ સામેની વ્યક્તિ પાસેથી સહાનુભૂતિ અને ભાવપૂર્ણ વ્યવહારની અપેક્ષા રાખે છે .એમ કરવામાં પાછી પાની કરનાર ધીરે ધીરે પોતાના સ્થાન-માન ગુમાવતા રહે છે. કુટુંબ, શાળા  અને સમાજે ત્રિકોણ રચીને સંસ્કારના બંધનમાં બાળકને બાંધવાનું છે. આમાંથી છટકી ગયેલું બાળક એ સમાજનો વાઇરસ બનીને આજીવન હવનમાં હાડકાં નાખવાની પ્રવૃત્તિ કરતો રહે છે. આવા વાઇરસને ડિલીટ કરવામાં ભલભલા સમાજે હાથ ઉંચા કરી દીધા છે ,ઇતિહાસ એનો સાક્ષી રહ્યો છે.

      આપણા ઋષિઓ, કેળવણીકારો ,ચિંતકો, મનીષીઓ પાસે  પોતાના જીવનના અઢળક અનુભવો હતા. એમાંથી તારવી- સારવીને માણસને પૂર્ણતા તરફ લઇ જવાની વિવિધ રીતરસમો અને અનુકૂળ આયામો આપણી સામે  એમણે મૂકી આપ્યા છે. સ્વામી વિવેકાનંદજી કહેતા, “શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી, આખી જિંદગી સુધી પચ્યા વિના પડી રહેલી માહિતીનો ઢગલો નહિ . આપણે તો જીવન ઘડનારા ,મનુષ્ય ઘડનારા ,તેનું ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો જે માણસે આખી લાઈબ્રેરી ગોખી નાખી હોય તેના કરતા તમે વધુ ચડિયાતા છો.”  એટલે મૂલ્યોનું ઘડતર કરનારી કેળવણી એજ સાચી કેળવણી છે. એના દ્વારા જ બાળકોના બધાં અંગોનો , અને બધાં પાસાંઓનો વિકાસ થાય છે.
·         મૂલ્યોનો  પ્રચાર અને પ્રસાર :

  નરી બુદ્ધિથી રોટલો રળી શકાય, પણ એ રોટલાના પ્રત્યેક કોળિયાને મીઠો બનાવવાનું કામ તો જીવનમૂલ્યો જ કરી શકે. આ મૂલ્યોનું શિક્ષણ એટલે હાથ[Hand ], હૃદય[Heart] અને મસ્તક[Head]-- આ ત્રણેયની સમાન  કેળવણી. આ છે થ્રી –H નું શિક્ષણ . પશ્ચિમી કેળવણીકારો પેસ્ટેલોજી ,જ્હોન ડ્યુઈ, પ્લેટો, સોક્રેટીસ, મેડમ મોન્ટેસોરી ,ખલીલ જિબ્રાન તથા આપણા  કેળવણીકારો- મહાત્મા ગાંધીજી, ગિજુભાઈ બધેકા , નાનાભાઈ ભટ્ટ , હરભાઈ ત્રિવેદી , મુળશંકરભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી, નટવરલાલ બૂચ વગેરેએ પણ આ કેળવણીને કેન્દ્રમાં રાખીને હજારો ઔપચારિક અને અનૌપચારિક વિદ્યાર્થીઓને સંસ્કારી બનાવીને સમાજને સોંપ્યા છે. 

             આજે પણ નાનાભાઈ સ્થાપિત ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા ,મણાર અને  લોકભારતી સણોસરા રાષ્ટ્રીય  વિરાસત બનીને દર વર્ષે સેંકડો વિદ્યાર્થીઓને જીવનલક્ષી કેળવણી આપી રહી છે. આ સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા આજે ગુજરાતના કેટલાંય ગામડાઓમાં ઉત્તર બુનિયાદી શાળાઓ અને  છાત્રાલયો  દ્વારા મૂલ્ય ઘડતરનું મહામૂલું કાર્ય થઇ રહ્યું છે. સ્વાવલંબન, શ્રમ, વ્યવસ્થાપન , સ્વાસ્થ્ય, શિસ્ત , સાદાઈ ,સમરસતા ,સહાનુભૂતિ , વિવેક , ડહાપણ ...કેટકેટલાં મૂલ્યોનો ઉછેર અને તેનું જતન થઇ રહ્યું છે આ સંસ્થાઓમાં...!   આવી સંસ્થાની એક મુલાકાત પણ વ્યક્તિને  છ મહિના માટે   તરોતાજો [Charged] બનાવી દે છે !  આવી સસ્થાઓમાં આપણાં બાળકોને દાખલ કરવા એ તો ડહાપણભર્યું કામ છે જ ; પણ  ત્યાં ભણવા જવા માટે કોઈને આંગળી ચીંધવી એ તો કેટલાંય પુણ્યનું કામ છે ! મૂલ્યોને જીવતાં જીવતાં તેનો  પ્રચાર અને પ્રસાર કરનારી આવી સંસ્થાઓ અને એવા શિક્ષકોને જેટલાં વંદન કરીએ એટલાં ઓછાં છે.

મુનિ ઉદય વલ્લભ વિજયજી કહે છે , “The heart of education is the education of heart.” કેળવણીનું હૃદય એ હૃદયની કેળવણી છે. ગાંધીજીનો  અક્ષરદેહ પ્રકરણ એક્તાલીસમાં એમના શબ્દો નોંધાયા  છે ----
“બાળકો  જ્યાં  રહેતાં હોય તે જગ્યાનું ભાન તેને હોવું જ  જોઇએ . તેની આસપાસના નદી-નાળા ,ટેકરા, મકાનો તેને બતાવવા . તેને મધુર સ્વરથી ભજન ,ગીતો તાલબદ્ધ ગાતા શીખવવું .દોડતાં ,કૂદતાં કસરત કરતાં શીખવવું. તેને પોતાનું શરીર સ્વચ્છ રાખતાં શીખવવું. તે કોઈને નુકસાન ન કરે તેવું આચરણ દ્વારા સમજાવવું . તેની સર્જનાત્મક  શક્તિઓ બહાર લાવવી .તેને નિયમિત પ્રાર્થનામાં હાજર રહેતો કરવો.આ હોવી જોઈએ આજની  કેળવણી .”


·       ઉપસંહાર :
                              જે શિક્ષણથી મૂલ્યપ્રીતિ ન જન્મે કે મૂલ્યપાલન કરવાની બળકટતા અવતાર ધારણ ન કરે એ શિક્ષણ ભલે બધું જ સ્થાપી શકે પણ તે ક્યારેય શાંતિનું સર્જન તો ન જ કરી શકે. કેવળ આજને ધ્યાનમાં રાખીને જીવવાથી તો મૂલ્યોને અવગણવાની ઈચ્છા યથા પ્રસંગ થઇ પણ આવે; આપણે તો જીવવાનું છે આપણી આવતી કાલને ઉજળી રાખવા માટે. વળી આ માટે કોઈ એકલ દોકલની મહેનત કામ પણ નહીં આવે, એટલે આવો,  આપણે સહુ આપણી આવતી કાલને ઉજળી બનાવવા માટે સાથે મળીને દીવાથી દીવો પ્રગટાવીએ...

1 comment: