તમારામાંથી કેટલા લોકોએ 'મિકી માઉસ' કે 'ટોમ એન્ડ જેરી' કે 'લાયન કિંગ' જોયું છે ? મારુ માનવું છે ત્યાં સુધી તમામ લોકોએ આ ત્રણેય કે આ ત્રણ માંથી એક તો જોયેલ જ હશે.આ ત્રણેયમાં કોમન કહી શકાય એવી વસ્તુ કઈ છે? તમે તરત જ કહેશો કે પ્રાણીઓ માણસોની જેમ બોલી,વિચારી શકે એમ છે એ બાબત.
આજે આપણે આવી જ એક ગુજરાતી નવલકથાની વાત કરીશું.આમ તો પ્રાણીઓ બોલી-ચાલી શકે એ વિચાર નવો નથી.સંસ્કૃત સાહિત્યમાં 'પંચતંત્ર'ની વાર્તાઓમાં આપણે એ જોયું છે.ગુજરાતી સાહિત્યમાં પણ આપણે હરિપ્રસાદ વ્યાસની 'બકોર પટેલની વાર્તાઓ'માં આ જોયું છે, છતાં પણ આજે આપણે આજે જે પ્રાણીકથાની વાત કરવાના છે એ આ બધા કરતા અલગ પડે છે.આપણે ઉપર જે જે નામનો ઉલ્લેખ કર્યો તે તમામ કૃતિઓ કા તો માત્ર મનોરંજન માટેની છે,કા તો નાના બાળકોને હાસ્યરસ સાથે બોધ આપવા માટે,પણ આજે આપણે જે નવલકથાની વાત કરવાના છીએ એમાં 'તત્વજ્ઞાન' જેવો અઘરો વિષય પ્રાણીઓને મુખ્ય પાત્ર રાખીને રસાળ રીતે સમજાવ્યો છે.આટલી વાત પરથી તમને આમ તો ખબર પડી જ ગઈ હશે તો પણ કહી દવ કે આજે આપણે ધ્રુવદાદાની નવલકથા 'અતરાપી' અંગે વાત કરવાના છીએ.
કોઈ પણ કૃતિ વિશે વાત કરતાં પહેલાં એના નામ વિશે જાણીએ તો એ કૃતિ સમજવી વધુ સહેલી પડે એ મુજબ પહેલાં આપણે નામ અંગે જ જોઈએ.અતરાપી શબ્દ એ સંસ્કૃત શબ્દ अत्रापि= अत्र अपि પરથી બનેલ છે,જેનો મતલબ થાય છે કે વર્તમાનમાં જીવવું.
વાર્તાનું નામ સમજ્યા પછી તેના મુખ્ય પાત્રો અંગે ટૂંકમાં વાત કરીએ.વાર્તાનું નાયક પાત્ર સારમેય નામનો એક કૂતરો હોય છે,જયારે પ્રતિબિંબ નાયક પાત્ર તરીકે એનો મોટો ભાઈ કૌલેકય હોય છે.અહીં બંને પાત્રના નામ ખાસ નોંધનીય છે. સારમેય એટલે કે સાર ગ્રહણ કરનાર. જયારે કૌલેકયનો મતલબ થાય છે ઉચ્ચ કુલીન.સમગ્ર નવલકથામાં આ બંને ભાઈઓની એકબીજાથી વિપરીત જીવનશૈલી વર્ણવામાં આવી છે, તેમજ અંતમાં સારમેયની રીત સાચી હોવાનું બતાવ્યું છે. સરમા નામની એક માદા શ્વાન પાત્ર જે સારમેયની જીવનસંગીની બંને છે એના સિવાય બીજા શ્વાન પાત્રો પણ આવે છે,પણ એ પાત્રોનો વાર્તા પર પ્રભાવ નથી એટલે આપણે તેમનો ઉલ્લેખ કરતાં નથી.જયારે મનુષ્ય પાત્રમાં સારમેય અને કૌલેકયનો જયાં જન્મ થયો એ શેઠાણીનું પાત્ર અને તે શેઠાણીના ગુરુનું પાત્ર મહત્વનું છે. શેઠાણીનું પાત્ર સારમેયને કૌલેકય કરતાં વધુ પસંદ કરે છે ,જયારે ગુરુજીનું પાત્ર કૌલેકય તેમની સેવા કરતા હોય અને સારમેય એમની પાસે પણ ન આવતો હોય તેમ છતાં અગાવથી જ જાણે કહી દે છે સારમેય સાચા રસ્તે છે.
હવે વાર્તાપ્રવાહ અંગેની વાત કરીએ તો એક શેઠ અને શેઠાણીને ત્યાં રહેલી સદ્ભાવીની નામે માદા શ્વાનને ત્યાં કૌલેકય અને સારમેયનો જન્મ થાય છે.કૌલેકય જન્મથી જ ખૂબ વિચારીને નિયમબદ્ધ જીવે છે,તેને જે કહેવામાં આવે એટલું કોઈ સવાલ વિના કરે છે.સારમેય એનાથી વિપરીત પોતાના મનનો માલિક છે,કોઈપણ વાતને સવાલ કર્યા વિના સ્વીકાર કરતો નથી.સમય જતાં સારમેય ઘરેથી ભાગી જાય છે,જયારે કૌલેકય શેઠના ગુરુના આશ્રમમાં રહેવાનું નક્કી કરી તેમની પાસે વેદ,ઉપનિષદ જેવા ગ્રંથો શીખે છે.સારમેય ભટકતો ભટકતો દરેક જગ્યાએ થોડીવાર રહે છે,પણ જેવું એને લાગે કે એની સ્વતંત્રતા પર કાપ મુકવામાં આવે છે ત્યારે તે ત્યાંથી ભાગી જાય છે. સારમેય ને જે જે જગ્યાએ જે જે મનુષ્ય પાસે રહેલ બતાવવામાં આવ્યો છે તેમાં અલગ અલગ પ્રકારના મનુષ્ય દર્શાવીને મનુષ્યના સ્વભાવના પણ તમામ પાસા સાથે જ વણી લેવાયા છે.સારમેયનું પ્રખ્યાત વક્તા બનવું,બંને ભાઈઓની લાંબા સમય પછીની મુલાકાત,બંને ભાઈઓની માતાનું મૃત્યુ,ગુરુજીનું મૃત્યુ અને કૌલેકયનું આશ્રમનું અધિપતિ થવું,સારમેયની દરેક મલિક પાસેથી વિદાય લેવી,સરમાના મૃત્યુની વાત, માંસાહારની તરફેણમાં સારમેય અને વિરુદ્ધમાં કૌલેકયની દલીલો, એજ રીતે બ્રહ્મચર્ય અંગેની બંનેની દલીલો,સારમેયનું કરુણ હાલતમાં મૃત્યુ,કૌલેકયનું હિમાલય તરફ જતાં મૃત્યુ જેવા બનાવો વાર્તાની ટૂંકી રૂપરેખા દર્શાવે છે.આ દરેક બનાવ વખતે વાર્તામાં કોઈને કોઈ તત્વજ્ઞાનની વાત વણી લેવામાં આવી છે.
જોકે એ દરેક બનાવ કરતા વધુ મહત્વની તત્વજ્ઞાનની વાત કૌલેકયના મૃત્યુ પછીના બનાવમાં કહેવામાં આવી છે. કૌલેકયને જયારે એના કર્મનો હિસાબ કહીને એમ કહેવામાં આવે છે કે એને સ્વર્ગ મળ્યું છે ત્યારે તે નિરાશ થઈ જાય છે,એને થાય છે કે:-"આખી જિંદગી આટલા સંયમપૂર્વક રહ્યો તો પણ મોક્ષ ન મળી શકયો.મોક્ષનું પગથિયું એક ડગલું છેટે રહી ગયું."આ વિચારની સાથે જ એના મનમાં બીજો એક વિચાર આવે છે કે:-" જો હું આટલા નિયમપૂર્વક રહીને પણ માંડ સ્વર્ગમાં જઈ શકયો,મોક્ષ ન મેળવી શક્યો તો મારા ભાઈનું તો શું થયું હશે? એને નર્કમાં કેવી યાતનાઓ આપવામાં આવતી હશે ?" એ લાગણીવશ થઈને એક વાર નર્કમાં જવાની ઈચ્છા વ્યક્ત કરે છે.એને પૂછવામાં આવે છે કે:-"કેમ એ નર્કમાં જવા માંગે છે.?" ત્યારે એ પોતાના ભાઈને મળવાનું કહે છે ત્યારે એને કહેવામાં આવે છે કે:-"સારમેયને તો મોક્ષ મળી ગયો છે." કૌલેકયને ત્યારે આ વાત સમજાતી નથી,એ દુઃખી હૃદયેપોતાની સાથે અન્યાય થયો હોય એવી લાગણીસાથે સ્વર્ગમાં જાય છે,પણ થોડુંક ચિંતન કરતા અને પોતાની અને સારમેયની જીવનશેલી વિશે વિચારતાં જ એને એનું કારણ સમજાઈ જાય છે.શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને સાફ શબ્દોમાં કહ્યું છે કે:- "સ્વધર્મનું પાલન ઈમાનદારીથી કરી નિસ્પૃહ્ય રહેનાર વ્યક્તિ જ મોક્ષનો અધિકારી છે.સ્વધર્મનું પાલન ગમે એવું વિકટ હોય તો પણ તેનું પાલન કરનાર વ્યક્તિને લાભ થાય છે જયારે પરધર્મનું પાલન કરનાર વ્યક્તિને હાનિ જ થાય છે." આ વાત તેને સમજમાં આવતા જ નવલકથા પૂર્ણ થાય છે.
આમ આ નવલકથામાં માર્મિક રીતે લેખકે જે લોકો બાહ્ય આડંબરો વડે ભગવાન પ્રાપ્ત થાય છે એવું માને છે એમના પર કટાક્ષ કરીને તમે મનમાં શું ચિંતન કરો છો એ વાત ભગવાન માટે વધુ મહત્વની છે એ વાત પ્રસ્થાપિત કરી છે.પરધર્મ એટલે બીજા શું કરે છે એનું ચિંતન કે અનુકરણ કર્યા વિના સ્વભાવગત પોતાનું જે કર્મ છે એ કરનાર અને મનથી નિષ્કામી વ્યક્તિ જ મોક્ષની અધિકારી છે,એ નવલકથાનો મૂળ સંદેશો છે.કદાચ આ નવલકથા પહેલી વાર વાંચીને તમે લેખક સાથે સહમત ન પણ થાવ,તમને લેખક લોકોની ધાર્મિક માન્યતા પર પ્રહાર કરનાર પણ લાગે પણ મને ખાતરી છે કે આ નવલકથા જયારે તમે શ્રીમદ ભગવદ ગીતા વાંચીને બીજી વાર વાંચશો એટલે તમને લેખકની વાત સમજાઈ જ જશે.
No comments:
Post a Comment